“હું મારી માં ને ઝેર કેવી રીતે આપું મિત્રો ?” શીર્ષકને સાર્થક કરતા જૈવિક વૈધ ખેડૂત હસમુખભાઈ સોલંકીની ઝૂબાની
હું મારી માં ને ઝેર કેવી રીતે આપું મિત્રો?
નમસ્કાર ખેડૂત મિત્રો હું
હસમુખભાઈ કાળુભાઈ સોલંકી (ફાર્મર કોડ INGJ1409311, મો: ૯૭૨૪૪૩૩૮૨૫). અમરેલી જીલ્લાના
જાફરાબાદ તાલુકાના દરીયાકાઠાનું છેવાડાનું મારું ગામ એટલે કેરાળા. મારા ગામમાં
મારા પિતાજી ૫ વીઘાના ખાતેદાર છે અને હું મારા પિતાને ખેતીમાં મદદરૂપ થાવ છું. મેં
ખેતીમાં કરેલા પ્રયોગો અને મારી રામબાણ ઔષધિઓ વિષે તમને થોડુ જણાવું.
મિત્રો, વર્ષો થી અમે પેઢીદર પેઢીથી ખેતી કરતા આવ્યા છીએ પણ ખેતી જૈવિક દવા
ખાતરથી પણ થઇ શકે એ મને કઈ ખબર ન હતી પણ ધીરે ધીરે હું શિક્ષણ અને સમાજ કલ્યાણ
કેન્દ્રના ટીંબી ખાતે ચાલતા કપાસના કાર્યક્રમ બીસીઆઈ સાથે જોડાયો અને ગામમાં થતી
તાલીમો અને મીટીંગોમાં જતો થયો અને મેં નક્કી કર્યું કે મારે ખેતી ખર્ચમાં ઘટાડો
કરવો છે. મેં મારા ખેતરમાં જૈવિક દવા અને ખાતરનો ઉપયોગ શરુ કર્યો.
છેલ્લા ૩ વર્ષથી જૈવિક દવાઓ જેવી કે જીવામૃત, દસપર્ણી અર્ક જાતે બનાવીને અને
ખાતરોમાં એરંડાનો ખોળ બજારમાંથી ખરીદીને વાપરું છું. ગયા વર્ષે મારે કપાસમાં ૨.૫
વીઘામાં ૬૦ મણ નો ઉતારો આવ્યો હતો. તેના આગલા વર્ષે પણ મારે ૭૦ મણનો ઉતારો આવ્યો
હતો. ચાલુ વર્ષ મેં મારા ખેતરમાં ૨ થેલીનું કપાસનું વાવેતર કરેલું છે. જેમાં એક
સોલર-૭૭૭ અને કેસરી વાવેલ છે. આ વર્ષે મેં મારા ખેતરમાં ખાતર તરીકે એરંડાનો ખોળ
પ્રતિ વીઘે ૨.૫ મણ ૩ વખત સવારના સમયમાં આપું છુ. દવા તરીકે જીવામૃત અને દસપર્ણી
અર્ક પ્રતિ પંપ ૧ થી ૨ લીટર ૪ થી ૫ છંટકાવ કરેલ છે. જેનાથી હું મારા પાક પર રોગ
અને જીવાત, જેમ કે ચુસીયા અને સફેદ માખી પર અને
ગુલાબી ઈયળ પર સારું એવું નિયંત્રણ મેળવી શકું છું. આજે હું તમને જણાવું કે મારા
ખેતરમાં ગુલાબી ઈયળ નહીવત જોવા મળે છે. હું રોગ અને જીવાંત જોઈને દવાનો છંટકાવ
કરું છુ. આ વર્ષે ઉત્પાદનમાં મારે પ્રતિ વીઘે ૨૫ થી ૨૭ મણ રેહશે જેની મને ખાતરી
છે. માર્કેટિંગ યાર્ડ ટીંબીમાં દર વર્ષે કપાસ હરરાજીમાં મુકું છું. મને સારો ભાવ
અને બિલ પણ આપવામાં આવે છે.
આ વર્ષે મેં મારા ઓર્ગેનિક ખેતીની નોંધણી NPOP (નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગનિક
પ્રોડક્શન)માં કરાવવા માટેની પ્રક્રિયા પણ કરી છે. જૈવિક દવાઓ બનાવવા માટે બધું
ઘરેજ મળી રેહતું હોવાથી અન્ય ખર્ચો પણ થતો નથી સંપૂર્ણ દવા બનાવવા માટે માત્ર ગોળનો
રૂ. ૫૦૦નો ખર્ચ થાય છે.
મિત્રો આપણે આપણી જનેતાને ક્યારેય ઝેર આપીએ છીએ? તો આપડે જેમાંથી આપણુ પેટ ભરીયે છીએ
તેને કેવી રીતે ઝેર આપી શકીએ?
જીવામૃત બનાવવા ની રીત: ૧૦ કિલો છાણ, ૧૦ લીટર ગોંમૂત્ર, ૧ કિલો ગોળ, ૧ કિલો ગમે તે કઠોળનો લોટ, ૧ કિલો રાફડાની ધૂળ, આ બધાને ભેગા કરી ૬ થી ૭ દિવસ સુધી
એક માટલા અથવા ટીપનામાં રાખી મુકવું સમયાંતરે હલાવવું અને જે દ્રાવણ બને તેનો
છંટકાવ એક પંપ માં ૧ થી ૨ લીટર નાખી કરવો.
આલેખન: અલ્પેશ કોટડીયા, ફિલ્ડ ફેસીલેટર
Post a Comment