માધ્યમ (બેક્ટેરિયા) નો ઉપયોગ કરેલ ખેડૂતના અનુભવો - ભરતભાઈ મકવાણા
મારૂ નામ મકવાણા ભરતભાઈ કરશનભાઈ છે (૭૮૭૪૫૩૦૯૨૭). હું કોદીયા (તા.ગીરગઢડા, જી.ગીરસોમનાથ)`ગામનો ખેડૂત છું. છેલ્લા ૮ વર્ષથી ખેતી સાથે જોડાયેલો છું. મારી પાસે ૫ વીઘા જમીન છે. તેમાં હું કપાસ, મગફળી, તલ, ઘઉં, મકાઈ, ડુંગળી, અડદની ખેતી કરું છું. મેં ધોરણ ૪ સુધી અભ્યાસ કરેલ છે. મારા કુંટુબની સભ્ય સંખ્યા ૬ છે. સાથે પશુપાલન પણ કરીએ છીએ.
અમારા ગામમાં ચાલતા ટકાઉ ખેતી BCI (“ઉત્તમ કપાસની પહેલ”) માટેના કાર્યક્રમમાં ખેડૂત માટે તાલીમ અને મીટીંગો થાય છે. આ કાર્યક્રમ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા ઉના, ગીરગઢડા અને ખાંભા, અમરેલી, બાબરા તથા જાફરાબાદ વિસ્તારના 135 ગામોમાં ચાલે છે. આ સંસ્થાના કાર્યકરોએ અમારા ગામમાં તાલીમ કરી ત્યારે તેમાં માહિતી આપવામાં આવી કે ખેડૂતોએ રસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. દરેક ખેડૂતએ ગળતીયું છાણીયું ખાતર અને ઓર્ગેનિક ખાતર વાપરવું જોઈએ. છાણીયું ખાતર વાપરવાથી આપણી જમીનમાં જે તત્વોની ઉણપ હોય તે પૂરી થાય છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે જમીનનું બંધારણ સુધારે છે. જમીનમાં રહેલા ઉપયોગી સજીવોની સંખ્યામાં વધારો થાય છે. જમીન બગડતી નથી આમ ગળતીયું છાણીયું ખાતર વાપરવાથી ઘણા ફાયદા થાય છે. છાણીયા ખાતરને ગળતીયું કરવા માટે માધ્યમ (બેક્ટેરિયા) નો ઉપયોગ છાયડા નીચે ચોરસ ખાડો બનાવી તેમાં છાણ, ડાળી, ડાળખાં, જૈવિક કચરો વિ. નાખવું તેમાં આ માધ્યમને ઉપર નીચે નાખવું અને તેમાં પાણીનો છંટકાવ કરવો તેમાં ભેજ જાળવી રાખવો. આ પ્રક્રિયા કરવાથી છાણીયું ખાતર ભરભરું અને ગળતીયું બને છે આવા ખાતરનો ખેતરમાં ઉપયોગ કરવાથી અસરકારક પરિણામ મળે છે અને મગફળીમાં જે કાચું છાણીયું ખાતર નાખીએ છીએ તેમાં મુંડાનો ઉપદ્રવ થાય છે તો આવું ગળતીયું પૂરેપૂરું સડી ગયેલ છાણીયા ખાતરમાં મુંડાનો ઉપદ્રવ થતો નથી માટે છાણીયા ખાતરમાં માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રોજેક્ટ સાથે જોડાયેલ ખેડૂતોને માધ્યમ (બેક્ટેરિયા) ના નિદર્શન કરવા જણાવતા મેં ૩ કિલો માધ્યમ (બેક્ટેરિયા) અને ૧ કિલો ટ્રાઈકોડરમાં સંસ્થા તરફથી મેળવી અને નીચે મુજબ પ્રયોગ કર્યો હતો.
મારી પાસે ૪ ભેંસ ૨ બળદ છે તેમાંથી મારે દર વર્ષે ૧૬ થી ૧૮ ટન છાણીયું ખાતર મળે છે. આ છાણીયા ખાતરને એક જગ્યાએ ભેગું કરીને ખેતરમાં નાંખવાના સમયે નાખી દેતો પણ તેમાં મોટા ભાગનું ખાતર સડતું ન હતું. છાણમાં નિદામણના બીજ હોય છે તેના કારણે ખેતરમાં આ ખાતર નાખવાથી નિદામણ વધારે થતું કાચું છાણીયું ખાતર રહેતું એટલે મુંડાનો પણ ઉપદ્રવ રહેતો, છાણમાં વધારે પ્રમાણમાં ગઠોડા રહેતા તેથી ખાતર નાખવામાં પણ મુશ્કેલી થતી.
સંસ્થાના કાર્યકર માનસિંગભાઈના કહેવા પ્રમાણે છાંયડાની નીચે ઉકરડામાં માધ્યમ (બેક્ટેરિયા)ને ઉપર–નીચે નાખીને તેની ઉપર પાણી નો છંટકાવ દિવસ દરમિયાન ૪ થી ૫ વખત કરવાનો અને પૂરેપૂરું છાણીયું ખાતર તૈયાર થઇ જાય પછી તેની ઉપર ૧ કિલો ટ્રાઈકોડરમાં નાખવું ત્યાર પછી તેનો ઉપયોગ કરવો આમ કહેવા પ્રમાણે કરતાં દોઢ મહિનામાં છાણીયું ખાતર તૈયાર થઇ ગયું. આ ભરભરું અને ગળતીયું ખાતર ખેતરમાં નાખવાથી નિદામણ પહેલા કરતા સાવ ઓછું થયું કારણ કે ખાતરમાં રહેલા નિદામણના બીજ ખાતર પૂરેપૂરું સડી ગયું હોવાથી તેનો નાશ થયો. મુંડાના ઉપદ્રવમાં નિયત્રણ મળિયું અને ખેતરમાં પણ ખાતર નાખવાનું સહલું રહયું.
હું દરવર્ષે માધ્યમ (બેક્ટેરિયા) નો ઉપયોગ મારા ઉકરડામાં કરીશ અને બીજા ખેડૂતો ને પણ કહીશ કે તમે પણ તમારા ઉકરડામાં માધ્યમ (બેક્ટેરિયા) નો ઉપયોગ કરો છાણીયું ખાતરને ભરભરું અને ગળતીયું ખાતર બનાવો તેથી તે ખાતરનો અસરકારક પરિણામ મળશે.
સંકલન :- માનસિંગ બાંભણીયા
Post a Comment